અંકલેશ્વરના સારંગપુર ગામ વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરમાંથી 16 બેટરી સેલની ચોરીના ગુનાનો ભેદ અંકલેશ્વર GIDC પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના મીરાનગર ખાતે દુર્ગામાતા મંદિર પાછળ રાજપીપળા રોડ પર આવેલા મોબાઇલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે 16 બેટરી સેલની ચોરી કરી હતી. દરેક બેટરી સેલની કિંમત ₹6 હજાર મુજબ કુલ ₹96 હજારનો મુદ્દામાલ ચોરી ગયો હતો. આ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ તપાસ દરમિયાન CCTV ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બબલુ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. ત્યાંથી લાલ રંગના બજાજ થ્રી-વ્હીલ ટેમ્પા નંબર GJ-03-BU-2026માં ચોરીનો મુદ્દામાલ લઈ જતાં રવી જોરુભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ નીચે, ભરૂચ ખાતે રહે છે અને મૂળ સારંગપુરનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ચોરીના 16 બેટરી સેલ તથા અંદાજે ₹1.50 લાખ કિંમતનો ટેમ્પા મળી કુલ ₹2.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
