ભાવનગરના અલંગના સુસ્ત પડેલા  શિપબ્રેકિંગ ઉદ્યોગને ફરી બેઠો કરવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા એક નવી પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ નવી નીતિ હેઠળ કેટલાક મહત્વના સુધારા કરાયા છે.

એશિયાનું સૌથી મોટું અને વિશ્વ પ્રસિદ્ધ શિપબ્રેકિંગ યાર્ડ ભાવનગરનું અલંગ છેલ્લા લાંબા સમયથી ભારે વૈશ્વિક મંદીનો સામનો કરી રહ્યું છે. એક સમયે જ્યાં જહાજો ભાંગવાનો ધમધમાટ હતો, ત્યાં આજે શિપની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે વિતેલા ઓગસ્ટ મહિનામાં ભંગાણ માટે માત્ર 2 જ જહાજ અલંગ આવ્યા હતા.

અલંગના સુસ્ત પડેલા આ ઉદ્યોગને ફરી બેઠો કરવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા એક નવી પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ નવી નીતિ હેઠળ કેટલાક મહત્વના સુધારા કરાયા છે,જેમાં પ્લોટ રીન્યુઅલની મર્યાદા 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરવામાં આવી છે.તેમજ મોટા જહાજોને તોડવા માટે બે પ્લોટને મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે.તથા શ્રમિકો માટેનો હાઉસિંગ સેસ 200 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરાયો છે.વધુમાં શ્રમિકોના અકસ્માત મૃત્યુ વળતર પેટે 2 લાખ રૂપિયા વેલ્ફેર ફંડમાં જમા કરવાનું પણ નવી પોલિસીમાં અમલ કરવામાં આવ્યો છે.જોકે, રીસાયકલિંગ ચાર્જ 135 રૂપિયાથી વધારીને 145 રૂપિયા પ્રતિ LDT કરવામાં આવ્યો છે.

લાખો શ્રમિકોને રોજીરોટી આપતું અલંગ હાલ મરણપથારીએ છે. ત્યારે સરકારની આ નવી પોલિસીથી ઉદ્યોગકારોને રાહત તો મળશે, પરંતુ શું આ નીતિથી અલંગ યાર્ડ ફરીથી પહેલાની જેમ ધમધમતું થશે? તે તો સમય જ બતાવશે.