/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-36.jpg)
ગુજરાતની ઓળખ એટલે ૧૦૮ એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવા. માત્ર ૪૦૦ એમ્બ્યુલન્સ સાથે શરૂ થયેલ ૧૦૮ ઈમરજન્સી સેવાની આજે રાજયભરમાં સંખ્યાબંધ એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. ગુજરાતમાં પોતાની સેવાથી એક આગવી ઓળખ ઉભી કરનાર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી લાખોની સંખ્યામાં લોકોને મદદ કરવામાં આવી રહી છે, તેમજ જરૂરિયાત મંદ લોકોને તાત્કાલિક સારવાર આપી હોસ્પીટલમાં વધુ સારવાર અર્થે પણ ખસેડ્યા છે.
ભરૂચ જિલ્લાની વાત કરીએ તો, હાલ ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં કુલ ૧૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા કાર્યરત છે. જેનો ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટા પ્રમાણમાં લાભ ઉઠાવે છે. ભરુચ જિલ્લાના છેવાડે રહેતી વ્યક્તિ જો બીમાર પડે કે તેને કોઈ દવાખાનામાં વધુ સારવારની જરૂર વર્તાય છે ત્યારે તે ચોક્કસપણે ૧૦૮ એમ્બ્યુલન્સને જ યાદ કરે છે. માર્ગ અકસ્માત હોય કે પછી હોય સગર્ભા મહિલાને વધુ સારવારની જરૂર ૧૦૮ એમ્બ્યુલન્સ તતકાલિક હાજર થઈ જાય છે.
આજરોજ ભરૂચ જિલ્લાના ખરોડ લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા એક દર્દીને ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવારમાં ખસેડયા બાદ જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ બીજા કોઈ કોલ ઉપર જવા નીકળી ત્યારે તે સ્ટાર્ટ જ થઈ ન હતી. આ ૧૦૮ના પાઇલોટે એમ્બ્યુલન્સને સ્ટાર્ટ કરવા માટે પોતાની રીતે અનેક પ્રયાસો કર્યા હતા.પરંતુ એમ્બ્યુલન્સ સ્ટાર્ટ ન થતા તેને સિવિલ હોસ્પિટલ પરિસરમાં હાજર લોકોની જરૂર પડી હતી. આખરે લોકો પાસે ધક્કો મારવાનું જણાવી સ્ટાર્ટ કરવા જતાં ૧૦૮ એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન અવસ્થામાં આવી ગઈ હતી. જ્યારે સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં લાખો, કરોડો રૂપિયાઓ ખર્ચાય છે, ત્યારે લોકોની સેવામાં હમેશા તૈયાર રહેતી ૧૦૮ એમ્બ્યુલ્ન્સોને પણ મરામત કરી સારી સુવિધા પૂરી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.