ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના કસક વિસ્તાર નજીક આવેલ આંગન એપાર્ટમેન્ટ પાસે લાગવાયેલ બે સાઇન બોર્ડમાં એક જ સ્થળે પહોંચવા માટેના અલગ અલગ કી.મી.દર્શાવવામાં આવ્યા છે ત્યારે બહારથી આવતા લોકોને હાલાકી પડી રહી છે.
રાજ્ય કે શહેરના રાજમાર્ગો સજાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગનું હોય છે આપણે ઘણી વખત જોયું છે કે તકલાદી કામના કારણે માર્ગો બિસ્માર થઈ જતાં હોય છે અને તેનો ભોગ જે તે વિસ્તારના રહીશોએ બનવું પડતું હોય છે. પરંતુ ભરૂચમાં તો માર્ગ અને મકાન વિભાગે બેદરકારીની જાણે તમામ હદ વટાવી દીધી છે. ભરૂચના કસક વિસ્તાર નજીક આવેલ આંગન એપાર્ટમેન્ટ પાસે બે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં એક જ સ્થળે પહોંચવા માટે બે અલગ અલગ કિલોમીટર દર્શાવવામાં આવ્યા છે. જુઓ આ બોર્ડ એના પર ઝાડેશ્વરનું અંતર 5 કી.મી. જ્યારે આ અન્ય બોર્ડમાં ઝાડેશ્વરનું અંતર 4 કી.મી. હજુ પણ જુઓ આ બોર્ડમાં શુકલતીર્થનું અંતર 15 કી.મી.અને બીજા બોર્ડમાં અંતર 14 કી.મી. એક જ સ્થળેથી બન્ને જગ્યાનું અંતર ક્યારેય પણ અલગ અલગ હોય શકે નહીં પરંતુ સરકારી બાબુઓના રાજમાં આ શક્ય બન્યું છે.
તંત્રની આ બેદરકારી બાબતે કનેક્ટ ગુજરાત દ્વારા માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કનેક્ટ ગુજરાતની ટીમ માર્ગ અને મકાન વિભાગ ભરૂચના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી.વસાવા પાસે પહોંચી હતી. શરૂઆતમાં તો તેઓએ અમારી ટીમને કેમેરો શરૂ કરવાનું જ ના કહી દીધું હતું પરંતુ બાદમાં તેઓએ રિપોર્ટર સાથેની વાતમાં જણાવ્યુ હતું કે આ બોર્ડ તેઓના વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું જ નથી. જુઓ શું કહી રહ્યા છે નાયબ કાર્યપાલક ઇજનેર.
માર્ગ અને મકાન વિભાગે તો બેદરકારીથી હાથ અધ્ધર કરી દીધા અને બોર્ડ તેઓએ ન લગાવ્યું હોવાનું જણાવી દીધું ત્યારે કનેક્ટ ગુજરાત દ્વારા નગર સેવા સદનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોનીએ પણ જણાવ્યુ હતું કે આ બોર્ડ નગર સેવા સદન દ્વારા પણ લગાવવામાં નથી આવ્યું ત્યારે પ્રશ્ન એ થાય કે ભરૂચના વાહનોથી ધમધમતા આ માર્ગ પર બોર્ડ લગાવ્યું કોણે?.. કોઈ પણ વ્યક્તિ આ રીતે બોર્ડ લગાવી શકે ?
કનેક્ટ ગુજરાતે જવાબદાર મીડિયા હાઉસ તરીકે આ બાબતે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની વડી કચેરીનું પણ ધ્યાન દોર્યું છે અને સ્થાનિક તંત્રની બેદરકારી બાબતે માહિતગાર કર્યા છે.