/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/27230033/maxresdefault-391.jpg)
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે બપોરે 1ના સુમારે એક 3 વર્ષીય મહમદ જેટ સિદ્દી પોતાના ઘર આંગણે રમી રહ્યો હતો તે દરમ્યાન રસ્તે રખડતા 3 થી 4 કૂતરાઓ બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને બાળકના પેટના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે બાળકના માતાને ખબર પડતાં તેઓ દોડી આવ્યા હતા પરંતુ ત્યા સુધીમાં ગંભીર ઇજાઓ પહોચતા બાળકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ તા. 14.11.2020 ના રોજ ગામના એક જાગૃત યુવાન સલીમ કડુજીએ ગ્રામ પંચાયત નબીપુરને લેખિતમાં એક અરજી આપી હતી કે ગામમાં રખડતા કૂતરાઓ નાના બાળકો અને અબાલ વૃદ્ધોને ખૂબ હેરાન કરે છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં યોગ્ય કાર્યવાહી કરવી. સાથોસાથ 2020ના નવેમ્બરમાં ગ્રામ સભામાં પણ સરકારશ્રી તરફથી આવેલા અધિકારી સમક્ષ ગામના હાજર નાગરિકોએ આ પ્રશ્ન ગંભીરતાથી ઉઠાવી ગામના સરપંચ, તલાટી અને હાજર ગ્રામ પંચાયતના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને રખડતા કૂતરાઓનો ત્વરિત નિકાલ કરવાની ખાત્રી આપી હતી. પરંતુ નિંદ્રાધીન બનેલી નબીપુર ગ્રામ પંચાયત કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોતી હતી તેમ જણાઈ રહ્યું છે. જો કે આ બનાવથી ગામમાં શોકના મોજા સાથે ગ્રામ પંચાયત પ્રતિ ગુસ્સાનો ઉકરતો ચરુ છે. ગ્રામજનો જિલ્લા વાહીવતદારો તરફથી પંચાયત સામે યોગ્ય પગલાં લે તેવી આશા સેવી રહયા છે.