ભરૂચ શહેરમાં તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે લોકો કોરોના વાયરસ પ્રતિ લાપરવાહ જોવા મળી રહયાં છે. રવિવારના રોજ શીતળા સાતમના અવસરે પુજન અર્ચન માટે આવેલી મહિલાઓ માસ્ક વિના નજરે પડી હતી.
પવિત્ર શ્રાવણ માસની સાથે હીંદુ સમાજના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થઇ ચુકયો છે. પણ તહેવારો દરમિયાન લોકોની બેદરકારી કોરોના વાયરસના સંક્રમણને વધારી શકે છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 800ને પાર કરી ગઇ છે ત્યારે સ્થિતિ કેટલી વિકટ હશે તેનો અંદાજો માત્ર રૂંવાડા ઉભા કરી દે છે. આવા સંજોગોમાં સોશિયલ ડીસ્ટન્સીંગ સહીતની ગાઇડલાઇનનું પાલન આપણને કોરોના વાયરસની સંક્રમિત થતાં બચાવી શકે તેમ છે. રવિવારના રોજ શીતળા સાતમનો તહેવાર હોવાથી ગૃહિણીઓ ઝાડેશ્વર તથા અન્ય સ્થળોએ શીતળા માતાજીની પુજા કરવા માટે પહોંચી હતી. શીતળા માતાની પૂજા અર્ચના કરતી વેળા મહિલાઓ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભૂલ્યા હોવાના ફોટા અને વિડીયો વાયરલ થયા છે.બીજી તરફ ઝાડેશ્વર ખાતે આવેલ શીતળા માતાજીના મંદિરને પણ બંધ રાખવામાં આવ્યું હતું અને મંદિરના પ્રવેશ દ્વાર નજીક સેનીટાઈઝર મુકવામાં આવ્યું હતું.