ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દુર્ગા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે વિધિવત રીતે ધાર્મિક પૂજન અર્ચન સાથે દુર્ગા માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે, ત્યારે ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા હરનાથ મહાદેવ મંદિર નજીક દુર્ગા માતાજીની 11 ફૂટની ભવ્ય પ્રતિમાના સ્થાપન સાથે દુર્ગાષ્ટમી પર્વની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા તેમજ ઝાડેશ્વર બંગાળી સમાજ કમિટીના સભ્યો સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.