ભરૂચ : ભાડભુતમાં રવિવારે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજનું મળશે સંમેલન

New Update
ભરૂચ : ભાડભુતમાં રવિવારે સમસ્ત  ભરૂચ જિલ્લા માછીમાર સમાજનું મળશે સંમેલન

ભરૂચની નર્મદા નદી પર ભાડભુત નજીક આકાર લેનારા વિયર કમ કોઝવે સામે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના લોકો વિરોધ નોંધાવી રહયાં છે. નદી પર વિયર કમ કોઝવે બની જવાના કારણે માછીમાર સમાજની રોજગારી છીનવાય જાય તેવી ભિતી તેઓ સેવી રહયાં છે.

ભરૂચ જિલ્લાના ઝનોરથી ભાડભુત સુધી રહેતાં માછીમારો ચોમાસા દરમિયાન દરિયામાંંથી નદીના મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીનો શિકાર કરી વર્ષ ભરની રોજગારી મેળવતાં હોય છે. છેલ્લા ઘણા સમયથી ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી નહિ છોડાતા નદીના પાણી ખારા બની જતાં હિલ્સા માછલીની આવકમાં ઘટાડો થતાં માછીમારો બેકારીના આરે આવીને ઉભા રહી ગયાં છે. હવે સરકારે ભાડભુત નજીક નર્મદા નદીમાં વિયર કમ કોઝવે બનાવવાની જાહેરાત કરી દેતાં માછીમાર સમાજમાં રોષ ફેલાયો છે.

વિયર કમ કોઝવે બની જવાના કારણ દરિયામાંથી મીઠા પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યા ઘટી જતાં માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાય જશે. ભાડભુત વિયર કમ કોઝવેના વિરોધમાં સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા રવિવાર તારીખ 8મી નવેમ્બરના રોજ ભાડભુત ગામમાં માછીમાર નિર્ણય સંમેલનનું આયોજન કરાયું છે. આ દિવસે ભાલોદ, ઝનોર થી કલાદરા સુધી નર્મદા નદીના બન્ને કાંઠેના વિસ્તારોમાં નદીના વહેણમાં માછીમારી કરવા જવા માટે જતાં માછીમારોને એક દિવસ માછીમારી બંધ રાખી સંમેલનમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સમાજમાં જાગૃતિ લાવવા નાટક પણ બનાવાયું છે.

Latest Stories