જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચના કોરોના વોરીયર્સનું રાખડી બાંધી બહુમાન કરવામાં આવ્યું હતું. જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક જયનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ સંસ્થાની મહીલા પાંખ દ્વારા ભરૂચમાં સેવા બજાવતા પ્રથમ હરોળના કોરોના વોરીયર્સ કે, જેઓ કોવીડ-19 મહામારીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. તેવા પોલીસ કર્મચારીઓ, સ્વાસ્થ્ય કર્મચારીઓ, એબ્યુલન્સ પાયલોટ તથા સફાઇ કર્મચારીઓને પ્રોત્સાહીત કરવા તેમની કામગીરીને બીરદાવવા સ્વહસ્તે તૈયાર કરેલ “મેં હું કોરોના વોરીયર” રાખડીઓ બાંધી સાથે માસ્ક અને મિઠાઇનું વિતરણ કરી તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
હાલ કોરોનાના કપરા સમય વચ્ચે ઉત્સાહપૂર્વક પોતાની સેવા બજાવતા શહેરના વિવિધ પોલીસ મથકના પોલીસ જવાનો અને નગરપાલિકાના કર્મચારીઓને સંસ્થાની બહેનોએ રક્ષાસૂત્ર બાંધ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તરફથી ગીતા સોલંકી, ક્રિષ્ણા ઢોલીયા, ઝહીમ કાઝી, ડી.આર.સિંધા સહિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. સંસ્થાના બોર્ડ ઓફ મેનેજમેન્ટ તેમજ પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત આગામી દિવસોમાં ઉત્સાહવર્ધક કાર્યક્રમો કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.