• ભરૂચના હાંસોટમાં આવેલો છે આશ્રમ

  • દત્તાશ્રય આશ્રમમાં 10 વર્ષની ઉજવણી

  • 24 કલાક અખંડ દત્તબાવનીના પાઠ કરાયા

  • 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન

  • એશિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના અખંડ દત્તબાવની પાઠ અને 51 કુંડી હનુમાન યજ્ઞને એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો
ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલા દત્તાશ્રય આશ્રમ દ્વારા આયોજિત 24 કલાકના અખંડ દત્તબાવની પાઠ અને 51 કુંડી હનુમાન મહાયજ્ઞને એશિયા બુક ઓફ રેકોર્ડસ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
આ આયોજન આશ્રમના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 25 જેટલા મંડળોએ સતત 24 કલાક સુધી અખંડ દત્તબાવની પાઠ કરીને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું.તે ઉપરાંત યોજાયેલા 51 કુંડી હનુમાન મહાયજ્ઞમાં અંદાજે 500 યજમાનોએ ભાગ લીધો હતો. યજ્ઞ દરમિયાન પાનના બીડાની 1.25 લાખ આહુતિ અર્પણ કરવામાં આવી હતી જે આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું.આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે આશ્રમના સંસ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા તેમજ આચાર્ય મનન પંડ્યાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.