ભરૂચના આમોદમાં ઉજવણી

ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી

300 વર્ષ જુના ગણપતિ મંદિરે આયોજન

ભક્તોને દેશી ઘીના ચૂરમાના લાડુનું વિતરણ

ભરૂચના આમોદમાં 300 વર્ષ જૂના ગણપતિ મંદિરેથી શ્રીજી ભક્તોને દેશી ઘીના ચૂરમાના લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે આમોદ શહેરમાં વર્ષો જૂની ધાર્મિક પરંપરા યથાવત્ જળવાઈ રહી છે. શહેરની મધ્યમાં આવેલું 300 વર્ષથી વધુ પ્રાચીન ગણપતિ મંદિરેથી શ્રીજી ભક્તોના ઘરે દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ પહોંચાડવામાં આવશે.

આ પ્રસાદની તૈયારી માટે આમોદના સ્વામિનારાયણ મંદિર ખાતે બહેનો દ્વારા શ્રદ્ધાભેર લાડુ બનાવવાની સેવા કરવામાં આવી હતી. દેશી ઘીમાં તૈયાર કરાયેલા ચૂરમાના લાડુ ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજી ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવ્યા હતા.આમોદનું પ્રાચીન ગણપતિ મંદિર ધાર્મિક આસ્થા સાથે ઐતિહાસિક પરંપરા માટે પણ જાણીતું છે. અહીં બિરાજમાન ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા પ્રત્યે શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થા જોવા મળે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથ ‘શિક્ષાપત્રી’માં આમોદના દીનાનાથ ભટ્ટનો ઉલ્લેખ જોવા મળે છે. ધાર્મિક પરંપરા મુજબ, દીનાનાથ ભટ્ટને સ્વપ્નમાં આમોદ નગરની મધ્યમાં આવેલા એક મકાનમાં ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા હોવાનો સંકેત મળ્યો હતો. ત્યારબાદ સ્થળ પર ખોદકામ કરતાં જમણી સૂંઢવાળા, ત્રિનેત્ર તથા રિદ્ધિ-સિદ્ધિ સહિતના ગણપતિ દાદાની પ્રતિમા મળી આવી હોવાની માન્યતા છે.

આ ઐતિહાસિક ગણપતિ પ્રતિમાના દર્શનથી પ્રસન્ન થઈ સ્વામિનારાયણ ભગવાન આમોદ પધાર્યા હતા અને ગણપતિ દાદાની આરતી ઉતારી હતી. ગણેશ ચતુર્થીના પાવન પર્વે દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો આ પ્રસાદ ભક્તો માટે માત્ર ધાર્મિક પ્રસાદ જ નહીં, પરંતુ આમોદની વર્ષો જૂની પરંપરા, સેવા અને શ્રદ્ધાની જીવંત પરંપરાને ઉજાગર કરતો પ્રસંગ બની રહ્યો છે.