વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારીના ઉનાઈ માતાજી મંદિરથી પ્રસ્થાન કરાયેલી બાઈક યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે પહોંચતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી જયરામ ગામીત, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સેવા સંકલ્પ કળશમાં જળ અર્પણ કર્યું તથા ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. નેત્રંગ ખાતે ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

બાઈક યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ, વિકાસરથ દ્વારા સરકારી યોજનાઓની માહિતી તથા વડાપ્રધાનશ્રીના સેવા કાર્યો અંગે ફિલ્મ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો ભરૂચ જિલ્લામાં અંતિમ તબક્કો મોવી ગામ ખાતે રહ્યો હતો, જ્યાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા નર્મદા જિલ્લા તરફ આગળ વધી હતી.સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

