ભરૂચમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે શોશ્યલ ડિસ્ટન્સના નામે તોડબાજી કરનાર નકલી પત્રકાર અને પોલીસનો રાફડો ફાટયો છે એવામાં પોલીસે આજે એક નકલી પત્રકારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાની મહામારીએ ભયાવહ પરિસ્થિતી ઊભી કરી છે ત્યારે આવા સમયમાં પણ કેટલાક લેભાગુ તત્વો લોકો પાસે રૂપિયા પડાવવાનું નથી ચુકતા. આવા જ એક નકલી પત્રકારને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં જય ટ્રાવેલ્સ નામની એજન્સી ધરાવતા દિપક મહેતા તેમની ઓફિસે હતા એ દરમ્યાન બે ઇસમો તેમની ઓફિસે ગયા હતા અને ઓફિસે ટિકિટ બુકિંગ માટે આવેલ પર પ્રાંતિય શ્રમજીવીઓમાં શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ હોવાનું જણાવી વિડીયો શુટ કર્યો હતો અને પોતે નેશનલ ટીવી ચેનલના પત્રકાર તેમજ અન્ય એક વ્યક્તિએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી.
આ મામલાની પતાવટ માટે તેઓએ ટ્રાવેલ્સ સંચાલક પાસે રૂપિયા 2.5 લાખ માંગ્યા હતા અને બાદમાં રૂપિયા 1 લાખ તો આપવા પડશે એવું જણાવ્યુ હતું. આ અંગે ટ્રાવેલ્સ સંચાલકને શંકા જતા તેઓએ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલામાં નકલી પત્રકાર રિઝવાન સોડાવાલાની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી અગાઉ પણ ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકમાં આ પ્રકારનો ગુનો આચાર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત આરોપી સાથે રહેલ અન્ય ઇસમની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે