/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/29175937/Bharuch-Kabirvad-e1617021001335.jpeg)
ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલાં પ્રવાસન સ્થળ કબીરવડ તેના અસ્તિત્વ સામે જંગ લડી રહયું હોય તેમ લાગી રહયું છે. એક સમયે ધુળેટીના પર્વએ ધમધમતું કબીરવડ ચાલુ વર્ષ કોરોના વાયરસના સંક્રમણના કારણે ભેંકાર ભાસતું હતું.
પાવન સલિલા મા નર્મદાના કિનારે અનેક પ્રવાસન સ્થાનો આવેલાં છે જેમાંથી એક કબીરવડ પણ છે. વર્ષો પહેલાં કબીરવડ જાહોજલાલી ધરાવતું પ્રવાસન સ્થળ હતું. રાજયભરમાંથી સહેલાણીઓ કબીરવડ ખાતે નર્મદા નદીના છીછરા જળમાં મોજ મસ્તીનો આનંદ ઉઠાવતાં હતાં. પણ ઘણા વર્ષોથી ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં કબીરવડ ખાતે નર્મદા નદી સુકીભઠ બની ચુકી હતી. એક કિનારાથી બીજા કિનારા સુધી નાવડી ચાલી શકે તેટલા પણ પાણી રહયાં ન હતાં. છેલ્લા બે વર્ષથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નદીના જળસ્તરમાં વધારો થયો છે. કબીરવડ ખાતે પ્રવાસીઓની સંખ્યા ઘટી જતાં નાના વેપારીઓ તેમજ હોડી સંચાલકોની હાલત કફોડી બની હતી. એક સમયે ધુળેટીના તહેવારમાં કબીરવડ ખાતે હજારોની સંખ્યામાં લોકો આવતાં હોવાથી સ્થાનિક વેપારીઓને રોજગારી મળી રહેતી હતી પણ ચાલુ વર્ષે ધુળેટીમાં કબીરવડ ખાતે સહેલાણીઓ ન આવતાં આ પ્રવાસન સ્થળ ભેંકાર ભાસતું હતું. કબીરવડના વિકાસ માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે પણ મોટા ભાગની યોજનાઓ કાગળ પર જ રહી ગઇ છે.