વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત અને આસિયાન (ASEAN) દેશો વચ્ચે વધુ સારા સહયોગની અપીલ કરી છે. આસિયાન-ભારત શિખર સંમેલનને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે આ ક્ષેત્રનું ભવિષ્ય પરસ્પર સ્પર્ધાને બદલે સહયોગથી નક્કી થવું જોઈએ. વડાપ્રધાને વૈશ્વિક અનિશ્ચિતતાઓના આ સમયમાં શાંતિ અને સ્થિરતાના મહત્ત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત અને આસિયાન દેશો મળીને વિશ્વની આશરે એક-ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આપણું ભવિષ્ય પરસ્પર સ્પર્ધાને બદલે પરસ્પર સહયોગથી નક્કી થવું જોઈએ. આપણી પાસે આ લક્ષ્ય મેળવવા માટે પૂરતું સામર્થ્ય અને મક્કમ સંકલ્પ બંને છે અને આપણે સૌ સાથે મળીને આ ક્ષેત્રને શાંતિ તથા સ્થિરતાનું પ્રતિક બનાવી શકીએ છીએ.
પીએમ મોદીએ જણાવ્યું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં લોકો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે 100થી વધુ પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત આશરે 250 ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે અને 10,000 કેપેસિટી બિલ્ડિંગ શિકોલરશિપ આપવામાં આવી છે.
પીએમ મોદીએ ભારત અને આસિયાન દેશો વચ્ચે વધતી કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત અને નવ આસિયાન દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ અને વધતુ પ્રવાસન ક્ષેત્ર બંને વચ્ચેની મજબૂત ભાગીદારીને દર્શાવે છે. આ વર્ષે કોઈપણ આસિયાન દેશની આ મારી ત્રીજી મુલાકાત છે, જે ભારત માટે આસિયાનના વિશેષ મહત્વને સાબિત કરે છે.
વડાપ્રધાને આસિયાન કમ્યુનિટી વિઝન 2045 અને વર્ષ 2047 સુધીના વિકસિત ભારતના વિઝન વચ્ચેના તાલમેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ બંને લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારત આસિયાનની એકતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ શિખર સંમેલન ભારત અને આસિયાન વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને એક સુરક્ષિત, સમાવેશી તથા સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપશે.
