/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/19142733/maxresdefault-237.jpg)
ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલાં સ્મશાનગૃહોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર સામે સ્થાનિક રહીશો વિરોધ કરી રહયાં છે. લોકોના વિરોધના પગલે વહીવટીતંત્રએ કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ગોલ્ડનબ્રિજ નજીક અલાયદું સ્મશાન બનાવ્યું છે.
ભરૂચ શહેર તથા જિલ્લો કોરોના વાયરસના અજગરી ભરડામાં આવી ગયો છે ત્યારે કોરોનાના કારણે મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કારની સમસ્યા ઉભી થઇ છે. ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલાં સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના સ્થાનિક રહીશો અંતિમ સંસ્કાર કરવા દેતાં નથી. આવા સંજોગોમાં દર્દીઓના મૃતદેહ રઝળતા રહે છે જેના પરિણામે કોરોના વાયરસનું સંક્રમણ વધવાનો ભય રહેલો છે……
કોરોના વાયરસના કારણે અંકલેશ્વરની શિક્ષિકાનું જયાબેન મોદી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હોસ્પિટલ સત્તાધીશોએ પરિવારને મૃતદેહ સોંપી દીધો હતો પણ કોરોનાના ભયથી કોઇ મૃતદેહની નજીક જવા તૈયાર ન હતું. આખરે સેવાભાવી યુવાનો મૃતદેહને શબ વાહિનીમાં ગોલ્ડનબ્રિજ પાસેના સ્મશાનમાં લઇ ગયાં હતાં. શાંતિવન સ્મશાનના ધર્મેશ સોલંકીએ લાકડાની વ્યવસ્થા કરી આપતાં શિક્ષિકાનો મૃતદેહ પંચમહાભુતમાં વિલિન થયો હતો. ભરૂચની જેમ અંકલેશ્વરમાં પણ નગરપાલિકા શબવાહિનીની સેવા શરૂ કરે તેવી માંગ ઉઠી છે.
ભરૂચમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહો સ્થાનિક રહીશોના વિરોધના પગલે રઝળતાં રહયાં હોવાના બનાવો બની ચુકયાં છે. આખરે જિલ્લા વહીવટીતંત્રએ ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા પર શેડ બનાવી સ્મશાનની વ્યવસ્થા ઉભી કરી છે. આ સ્થળે હાલ કોરોના ગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે.
રાજય સરકારે ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે અલાયદું સ્મશાન બનાવવામાં આવ્યું છે પણ સેવાભાવી ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્મશાન બનાવવું એ સારી બાબત છે પરંતુ સ્મશાનની જગ્યા નાની છે. જો એક કરતાં વધારે મૃતદેહ આવી જાય તો બીજા મૃતદેહને બહાર અંતિમદાહ આપવો પડે તેવી સ્થિતિ છે. તેથી સ્મશાનગૃહની ક્ષમતા વધારવી જોઇએ.
ભરૂચમાં બનેલા અલાયદા સ્મશાનગૃહ ખાતે રવિવારના રોજ વધુ એક કોરોના ગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યાં હતાં. અત્યાર સુધી પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે રઝળપાટ કરવી પડતી હતી પણ તંત્રએ કરેલી નવી વ્યવસ્થાથી તેમને પણ રાહત થઇ છે.