ભરૂચ જિલ્લાના રેલવે મુસાફરો માટે મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. મીડિયા દ્વારા સતત કરવામાં આવેલી રજૂઆતો અને અહેવાલો બાદ હવે ભરૂચને પ્રથમ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે. રેલવે બોર્ડ દ્વારા સુરત-ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં ટ્રેન નંબર 26903/26904ને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે.આ નિર્ણયથી ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના મુસાફરોને રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને વેપાર, નોકરી, શિક્ષણ તેમજ પ્રવાસન માટે મુસાફરી કરતા લોકોને તેનો સીધો લાભ થશે.

ટ્રેન નંબર 26903 સુરત-ઉદયપુર સિટી વંદે ભારત સુરતથી સવારે 6:10 કલાકે ઉપડશે અને ભરૂચ ખાતે સવારે આશરે 6:51 કલાકે પહોંચશે. ત્યારબાદ વડોદરા, આણંદ, મણિનગર, અસરવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને ઝાવર થઈને બપોરે 1:40 કલાકે ઉદયપુર સિટી પહોંચશે.જ્યારે પરત ફરતી ટ્રેન નંબર 26904 ઉદયપુર-સુરત વંદે ભારત ઉદયપુરથી બપોરે 3:35 કલાકે ઉપડશે અને ભરૂચ ખાતે રાત્રે આશરે 10:10 કલાકે પહોંચીને રાત્રે 11:00 કલાકે સુરત પહોંચશે.નવી વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને મંગળવારે સાપ્તાહિક રજા રહેશે. ટ્રેનમાં 8 કોચની રેકનો ઉપયોગ કરવામાં આવશે. સુરતને તેનું પ્રાથમિક મેન્ટેનન્સ બેઝ બનાવવામાં આવ્યું છે.