અંકલેશ્વરના પુનગામ ખાતે હાંસોટની પંડવાઇ સુગર ફેક્ટરીની ચૂંટણીને અનુલક્ષીને સહકાર પેનલ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પેનલના આગેવાન અને રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના હાંસોટની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., પંડવાઈની આગામી ચૂંટણીને અનુલક્ષીને પુનાગામ  હનુમાનજી મંદિર ખાતે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વ હેઠળની સહકાર પેનલ દ્વારા વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભામાં માટીએડ ઝોન, નાંગલ ઝોન અને સજોદ ઝોનના મોટી સંખ્યામાં સભાસદો તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ખેડૂત મિત્રો અને સહકારી આગેવાનો દ્વારા ઈશ્વરસિંહ પટેલનું  સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને સહકારના માધ્યમથી વિકાસની યાત્રાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.મંત્રી ઇશ્વરસિંહ પટેલે આગામી સમયમાં પણ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપી સુગર ફેકટરી દ્વારા કામગીરી કરવામાં આવશે એવી બાંહેધરી આપી હતી. અત્રે ઉલ્લેખ છે કે તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ યોજાનાર પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીમાં કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. હવે માત્ર બે બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે જેમાં 6,500 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.