ભરૂચના ઐતિહાસિક રતન તળાવ ધીરે ધીરે તેનું અસ્તિત્વ ગુમાવવાની આરે આવી ગયું છે, રતન તળાવનો ખાડી વિસ્તારમાં કેટલોક તળાવનો હિસ્સો માટી દ્વારા પુરાણ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રતન તળાવમાં રહેલા 400 વર્ષ ઉપરાંતની વય ધરાવતા શિડયુલ વનના પ્રાણી તરીકે ઓળખાતા કાચબાઓનું અસ્તિત્વ પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી રતન તળાવ નજીક રહેતા સ્થાનિકો દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂંકાયું છે.
રાજ્ય સરકાર અને ભરૂચ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં રતન તળાવના વિકાસ માટે રૂપિયા સાડા ત્રણ કરોડ ઉપરાંતની ગ્રાન્ટની મંજૂરી મળી હતી. પરંતુ રતન તળાવ આજે પણ વિકાસથી વંચિત રહ્યું છે. રતન તળાવમાં ગંદકીના સામ્રાજ્ય સાથે તળાવમાં રહેલા જળચર જીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. ઉપરાંત રતન તળાવમાં ગંદકી સાથે દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવ સાથે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં દહેશત વર્તાઈ રહી છે. ભરૂચના ઐતિહાસિક રતન તળાવનો કેટલોક હિસ્સો પૂરાણ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે નાનકડા ખાબોચિયામાં 400 વર્ષની ઉંમર ધરાવતા કાચબાઓ સામે જોખમ ઊભું થયું છે. તો કેટલાય કાચબાઓ કાચબાના બચ્ચાને જન્મ આપી રહ્યા છે, ત્યારે હવે કાચબાના બચ્ચાના અસ્તિત્વ સામે પણ ખતરો મંડરાઈ રહ્યો છે.
જોકે, રતન તળાવમાં એક કાચબાના બચ્ચાને મોઢાના ભાગે કોઈ અન્ય જળચર જીવે ઇજા પહોંચાડી હોવાના કારણે સ્થાનિકોએ ઇજાગ્રસ્ત બચ્ચાને બહાર કાઢી પ્લાસ્ટિકના ટબમાં મૂકી વન વિભાગને જાણ કરતાં તેની વધુ સારવાર કરવામાં આવી હતી. જોકે ખાબોચિયા રહેલા અન્ય કાચબાઓની હાલત પણ ગંભીર હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. રતન તળાવ વિસ્તારના સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રતન તળાવ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની મંજૂરી મળી છતાં પણ રતન તળાવ વિકાસથી વંચિત રહ્યું છે, ત્યારે રતન તળાવ માટે ફાળવેલી ગ્રાન્ટ ક્યાં ગઈ તેવા પણ સવાલ લોકોના મનમાં થઈ રહ્યો છે. જોકે રતન તળાવ આજે પણ પ્રદૂષિત અને દુર્ગંધ મારતું હોવાથી સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે.