ભરૂચમાં ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન મળી શકે એ માટે નગર સેવા સદન દ્વારા નાઈટ સેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં નિરાશ્રિતો રાતવાસો કરી શકશે. આ સેલ્ટર હોમનું સંચાલન સેવા યજ્ઞ સમિતિને સોપવામાં આવ્યું છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા અગાઉ સેલ્ટર ઓન વ્હીલના કન્સેપ્ટ સાથે બસમાં નાઈટ સેલ્ટર હાઉસ શરૂ કરવામાં આવ્યું હતું જે બાદ રૂપિયા 1.56 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ રોડ પર નાઈટ સેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યું છે. જેનું ઇ લોકાર્પણ ડિસેમ્બર માસમાં વાલિયા ખાતેથી સી.એમ.વિજય રૂપાણીના હસ્તે કરાયા બાદ થોડા દિવસ અગાઉ પ્રારંભ કરવામાં આવ્યો છે. ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાનના સૂત્ર સાથે નાઈટ સેલ્ટર હોમનું સંચાલન ભરૂચની સેવા યજ્ઞ સમિતિ નામની સંસ્થાને સોપવામાં આવ્યું છે ત્યારે સેવા યજ્ઞ સમિતિ દ્વારા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા એક કાર ફાળવાય છે જે રાત્રિના 9 થી 11.30 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને રસ્તા પર સૂતેલા લોકોને કારમાં બેસાડી સેલ્ટર હોમ પર લઈ આવવામાં આવશે. સેલ્ટર હોમની વિશેષતાની વાત કરીયે તો એક રાતમાં 216 લોકો અહી રાતવાસો કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો સાથે જ રાતવાસો કરનારને સવારે ચા અને નાસ્તો પણ આપવામાં આવશે. આવનારા દિવસોમાં અહી લોકો રાત્રિ ભોજન કરી શકે એવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે ત્યારે સ્લેટર હોમ નિરાશ્રિતો માટે સાચા અર્થમાં આશ્રય સ્થાન સાબિત થઈ શકે છે.