/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/24164813/jmbsr.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર નગરની રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ અને ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને રેફરલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટેની તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.
કોરોના મહામારીના કારણે જંબુસર પંથકમાં આઇસોલેશન સેન્ટરો પણ ઊભા કરવામાં આવ્યા છે. અહી ઠેરઠેર દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય તથા જંબુસર પંથકમાં દર્દીઓને ઑક્સિજનની જરૂરિયાત ઉભી થતી હોવાથી જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સારોદ ખાતે આવેલ પીઆઈ કંપની દ્વારા જંબુસર રેફરલ હોસ્પિટલ તથા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા ભલામણ કરવા જણાવાયું હતું.
તે અનુસંધાને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે હાલ ઓક્સિજન પ્લાન્ટ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જોકે, ઓક્સિજન પ્લાન્ટ માટે લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવામાં આવશે, ત્યારે આ સવલતથી જંબુસર પંથકની જનતાને રાહત ખૂબ મોટી થશે તેમ વર્તાઇ રહ્યું છે.