ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ આજરોજ પ્રમુખ અને ઉપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અલ્પા પટેલ તો ઉપ પ્રમુખ તરીકે ભરત પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.
1995માં સ્પષ્ટ બહુમતી બાદ ફરી 26 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સભાળ્યું છે. આ 26 વર્ષ દરમ્યાન 2010 થી 2015 દરમ્યાન ભાજપા અને બિટીપીના ગઠબંધન થકી ભાજપાના પ્રમુખ મનહર ગોહિલ અને ઉપપ્રમુખ અનિલભાઈ ભગત બીટીપી માંથી સત્તા પર બેઠા હતા. આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ફૂલ 27 બેઠકો ઉપર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 3 અને કોંગ્રેસના ફાળે ફક્ત 4 બેઠકો આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે મેન્ડેડ જાહેર કર્યા હતા જેમાં જંબુસરની કહાનવા બેઠક પરથી વિજેતા અલ્પા પટેલ પ્રમુખ તો અંકલેશ્વરની દીવા બેઠકના વિજેતા સભ્ય ભરત પટેલ ઉપ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં બંને ઉમેદવારોએ પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારી નોંધાવી હતી. પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.