ભરૂચની નર્મદા નદી પર બની રહેલાં નવા બ્રિજની કામગીરીના કારણે શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળાને સોમવારથી એક મહિના માટે બંધ કરાશે. જેના કારણે કસકથી સ્ટેશન તરફ આવવા અને જવા માટે ફેરાવો થાય તેમ હોવાથી રીકશાચાલકો ભાડામાં વધારો કરી શકે છે.
નર્મદા મૈયા બ્રિજની કામગીરી માટે કસક ગરનાળાને બંધ કરવાના નિર્ણય સામે રીકશા ચાલકોએ તંત્રને રજુઆત કરી છે. તેમણે કરેલી રજુઆતમાં જણાવ્યાં મુજબ કસક ગળનાળુ એક મહિના સુધી બંધ રહેશે તો રીક્ષા ચાલકોને 3 કી.મીનો ફેરાવો થશે. ફેરાવાની સામે પેસેન્જરો વધુ ભાડું નહી આપે તો તેઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે. જેથી આ કામગીરી વધુમાં વધુ જલ્દી પૂર્ણ થાય તેવી માંગ કરવામાં આવી છે.
રીક્ષા ચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીથી સર્જાયેલ પરિસ્થિતિમાં રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. તેમાં પણ જો ભરૂચ અને ઝાડેશ્વરનાં માર્ગનો વધુમાં વધુ રીક્ષા ચાલક રોજીરોટી માટે ઉપયોગ કરતા હોય છે, તેવામાં આટલો લાંબો ફેરો ફરીને પણ તેઓને યોગ્ય ભાડુ પેસેન્જર તરફથી ન મળે તો તેઓની આર્થિક રોજિંદી આવક ઉપર અસર પહોંચે તેમ છે.