ભરૂચ : જાણો, અંગારેશ્વરના મંગળનાથ મહાદેવની મંગળવારે થતી પુજાનું વિશેષ માહત્મ્ય

New Update
ભરૂચ : જાણો, અંગારેશ્વરના મંગળનાથ મહાદેવની મંગળવારે થતી પુજાનું વિશેષ માહત્મ્ય

પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના પૂજન-અર્ચનનું ઘણું મહત્વ છે, ત્યારે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે નર્મદા તટે આવેલ મંગળનાથ મહાદેવની મંગળવારના રોજ પુજા કરવાનું પણ વિશેષ માહત્મ્ય રહ્યું છે. તો મંગળવારે કેમ કરવામાં આવે છે મંગળનાથ મહાદેવની પુજા, જુઓ અમારો વિશેષ અહેવાલ...

ભરૂચ તાલુકામાં આવેલ પૌરાણિક તીર્થસ્થાન એવા અંગારેશ્વરના અંગારક ઘાટ પર મંગળનાથ મહાદેવનું મંદિર સ્થાપિત છે. મંગળનાથ મહાદેવનો અનેરો મહિમા હોવાથી અંગારકી ચોથ તેમજ શ્રાવણ માસના મંગળવારે શ્રધ્ધાળુઓ અનેરી શ્રધ્ધા સાથે ઉમટતા હોય છે. મંદિર નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ભક્તો ડુબકી લગાવી ધન્યતા અનુભવે છે. ઉપરાંત મંગળદોષના નિવારણ માટે પીડીત-અપરિણિત યુવક યુવતીઓ, સંતાનથી વંચિત લોકો મંગળનાથ મહાદેવ મંદિરે આવી શિવજીની આરાધના કરે છે. જેમાં શ્રધ્ધાળુઓ મંગળદોષ નિવારણની વિધિ કરી તેમાંથી મુક્તિ મેળવે છે. તેથી શ્રાવણ માસના મંગળવાર અને અંગારકી ચોથના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીના પગલે ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

મહાન તપસ્વી અંગારક રૂષિની જન્મ કુંડળીમાં મંગળ ગ્રહનો દોષ હતો. જેના કારણે તેમને ધાર્મિક કાર્યો સંપન્ન કરવામાં વિધ્નો નડતાં હતાં. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીના સ્થળે તપ કર્યું હતું. જોકે તેમના નામ પરથી ઘાટનું નામ અંગારક ઘાટ અને ગામનું નામ અંગારેશ્વર પડયું છે. ભગવાન શિવ રૂષિ પર પ્રસન્ન થયા હતાં અને વરદાન આપ્યું હતું કે, અહીં પૂજા-અર્ચના કરવા આવનાર શ્રધ્ધાળુઓ કંકુ, ગોળ, લાલ ફૂલ-લાલ વસ્ત્રો સહિતની પાંચ લાલ વસ્તુઓથી પૂજન કરે તો તેમના દરેક દોષ દુર થાય છે. અન્ય કથા મુજબ મંગળ ગ્રહે અંગારક ઘાટ પર ભગવાન શિવજીની પૂજા કરીને નવગ્રહમાં સ્થાન મેળવ્યું હતું. અંગારક તીર્થ સર્વ પાપ નાશ કરનારૂ અને કલ્યાણકારી તીર્થ માનવમાં આવે છે. શ્રાવણ માસ દરમ્યાન ચોથ અને મંગળવારના દિવસે સંકલ્પ પૂજા કરવાથી સઘળી મનોકામના પૂર્ણ થાય છે. શિવલિંગ પણ નાગ-નાગણનું જોડું બિરાજમાન છે. કંકુ, ગોળ, લાલ ફૂલ-લાલ વસ્ત્રોથી પૂજા કરવાથી મંગળનો ગ્રહદોષ દુર થાય છે.

Latest Stories