/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/21172501/maxresdefault-63.jpg)
એક તરફ કોરોનાની બીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું હતું. તો બીજી તરફ આમોદ તાલુકાના વાતરસા-કોઠી ગામના યુવાનો કોરોના દર્દીઓની સેવા માટે આગળ આવ્યા છે. જેમાં ઘરે ઘરે જઈને દર્દીઓની સારવાર સાથે એક અનોખી સેવા પ્રદાન અહીના યુવાનો દ્વારા થઇ રહી છે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે અનેક સ્થળોએ નામી અનામી સેવાભાવી સંસ્થા તેમજ સેવાભાવી લોકો દ્વારા કોરોના સંક્રમિતોને મદદરૂપ થઈ માનવતાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. તેવામાં આમોદ તાલુકાના વાતરસા-કોઠી ગામમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને તેઓના ઘરે જ સારવાર પ્રદાન કરી ગામના યુવાનો સરાહનીય કામગીરી કરી રહ્યા છે. જેમાં યુવાનો દ્વારા છેલ્લા દોઢ માસથી કોરોનાગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સેવા પ્રદાન કરાઇ રહી છે. તો સાથે જ કોરોના દર્દીઓને તબીબી સારવાર પણ આપવામાં આવી રહી છે.
છેલ્લા દોઢ માસ દરમ્યાન 35 જેટલા કોરોના સંક્રમિતોને આ સેવાનો લાભ મળતા હાલ તમામ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા છે. ઉપરાંત કોરોનાલક્ષી જરૂરી દવાઓનો સંપૂર્ણ ખર્ચ વિદેશમાં વસતા વાતરસા-કોઠી ગામના સખી દાતાઓ તરફથી પૂરો પાડવામાં આવી રહ્યો છે. આમ એક નાનકડા ગામમાં સેવાભાવીઓ કોરોના સંક્રમિતોની વ્હારે આવી અન્યો માટે એક પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.