ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર ફીઝીશીયનના અભાવે ખુદ "વેન્ટીલેટર" પર

New Update
ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર ફીઝીશીયનના અભાવે ખુદ "વેન્ટીલેટર" પર

ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેવામાં સિવિલ હોસ્પિટલમાં ફીઝીશીયનના અભાવે વેન્ટીલેટર નકામા બન્યાં હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે....


ભરૂચ જિલ્લામાં એપ્રિલ 2020માં કોરોનાનો પ્રથમ દર્દી મળી આવ્યાં બાદ એક વર્ષમાં આ આંકડો 4 હજારને પાર કરી ગયો છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ અને કંપનીઓ તરફથી વેન્ટીલેટર આપવામાં આવ્યાં હતાં. ભરૂચની સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે 12
જેટલા વેન્ટીલેટર હયાત છે પણ આ તમામ વેન્ટીલેટર નકામા સાબિત થઇ રહયાં છે. સિવિલ હોસ્પિટલમાં ફીઝીશીયન તથા ટેકનીશીયનના અભાવે વેન્ટીલેટર બંધ હોવાની ફરિયાદ ઉઠી છે..

અમારા પ્રતિનિધિએ તમને સિવિલ હોસ્પિટલની શું સ્થિતિ છે તે જણાવી. સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. એસ.આર.પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, વેન્ટીલેટર ચાલુ હાલતમાં છે અને ફીઝીશીયનની ભરતી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહયું છે અને નવા સ્ટ્રેઇનના કારણે દર્દીઓ અચાનક મોતને ભેટી રહયાં છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર વહેલી તકે કાર્યાન્વિત થાય તે જરૂરી છે. જો સિવિલ સત્તાધીશો યોગ્ય કાર્યવાહી નહિ કરે તો આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ થશે તેમાં કોઇ બે મત નથી..