ભરૂચના દહેજ વિસ્તારમાં આવેલી કેમલીન નામની કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર કંપનીમાં કેમિકલ લાઇનમાં લિકેજ થતાં સમારકામ માટે શટડાઉનની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે આગ લાગવાના કારણે કંપનીને નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.