-
ભરૂચમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો
-
ચૂંટણી પ્રચાર પુર જોશમાં
-
આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર
-
રોડ શોમાં ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા
-
ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા પ્રહાર
ભરૂચમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ શો દ્વારા ચૂંટણી પ્રચાર કર્યો હતો આ દરમ્યાન તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભરૂચમાં ચૂંટણી પ્રચારે જોર પકડતા રાજકીય ગરમાવો વધ્યો છે. ‘આમ આદમી પાર્ટી’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે બાઈક રેલી સાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા.
પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે દાવો કર્યો કે ગૃહમંત્રી દ્વારા વિપક્ષના ઉમેદવારોને ડરાવી-ધમકાવી તેમની ઉમેદવારી પરત ખેંચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે દબાણની રાજનીતિ અપનાવી રહી છે.બીજી તરફ ભાજપના નેતા ગણપત વસાવા દ્વારા ‘આપ’ના નેતાઓ પર લગાવવામાં આવેલા શારીરિક શોષણના આક્ષેપોને પણ ચૈતર વસાવાએ ફગાવ્યા હતા.
તેમણે કહ્યું કે આવા આક્ષેપો માત્ર મુદ્દાઓને ભટકાવવા માટે કરવામાં આવી રહ્યા છે.ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા, ત્યારે ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને આદિજાતિના દાખલા આપવામાં આવ્યા હતા, જે મુદ્દો પણ વિવાદાસ્પદ રહ્યો હતો.
આ ઉપરાંત તેમણે મણીપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે થયેલા અત્યાચાર પર ભાજપના નેતાઓએ કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું. અંતમાં ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપ નીચલા સ્તરના મુદ્દાઓ ઉભા કરીને મૂળ પ્રશ્નોથી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
