ભરૂચમાં ફાયર વિભાગની આગોતરી તૈયારી

દિવાળીમાં આગ સહિતના બનાવો વધે એવી શક્યતા

ફાયર વિભાગની 4 ટીમ રહેશે તૈનાત

17 ફાયરકર્મીઓ ખડેપગે ફરજ બજાવશે

લોકોને ફેક કોલ ન કરવા અપીલ

ભરૂચમાં દિવાળીના તહેવારો દરમિયાન આગ સહિતની દુર્ઘટનાઓને પહોંચી વળવા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ બન્યું છે. ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા અલગ અલગ 4 ટીમ બનાવવામાં આવી છે

ભરૂચમાં દિવાળીના તહેવારો દરમિયાન આગ સહિતની દુર્ઘટનાઓને પહોંચી વળવા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ બન્યું છે. તહેવારો દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને ઇમરજન્સી સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે ફાયર વિભાગ દ્વારા ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં કુલ 17 ફાયરકર્મીઓ ખડેપગે રહી ફરજ બજાવશે.

દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરમાં ક્યાંય પણ આગ લાગવાની ઘટના બને અથવા અન્ય કોઈ ઇમરજન્સી સર્જાય તો નાગરિકોને તાત્કાલિક ફાયર વિભાગના ઇમરજન્સી નંબરો પર કોલ કરી જાણ કરવા અપીલ કરવામાં આવી છે.બીજી તરફ ફાયર વિભાગે અસામાજિક તત્વોને ફેક કોલ નહીં કરવા પણ ખાસ અનુરોધ કર્યો છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ખોટા કોલના કારણે ફાયર ટીમો બિનજરૂરી રીતે અન્ય સ્થળે પહોંચી જાય છે, જેના પરિણામે વાસ્તવિક આગની ઘટનાવાળા સ્થળે સમયસર પહોંચી શકાતું નથી. જેથી નાગરિકો ફેક કોલ કરવાથી દૂર રહે અને કટોકટીના સમયે ફાયર વિભાગને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.