-
ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો
-
કાફે આઉટલેટના બહાને છેતરપિંડી
-
રૂ.26.46 લાખની છેતરપિંડી આચરાય
-
એ ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી
-
2 આરોપીઓની ધરપકડ
ભરૂચ:પીઝા-પંજાબી કાફે ફ્રેન્ચાઈઝીના નામે 26.46 લાખનું ચકચારી કૌભાંડ,પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને અંદાજે રૂ.26.46 લાખની છેતરપિંડી આચરવાનો ભરૂચમાં મામલો સામે આવ્યો છે. ગુજરાત | સમાચાર
ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બતાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. પરંતુ વાસ્તવમાં માત્ર 18 જેટલા આઉટલેટ્સ જ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાનાં આપી રોકાણકારોને લાંબા સમય સુધી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કૌભાંડનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં, પરંતુ સામાન્ય વર્ગના લોકો પણ બન્યા છે. સુરત, વડોદરા સહિતના શહેરોમાં આલુ ટીક્કી, પીઝા અને અન્ય ફાસ્ટફૂડ સામગ્રી તૈયાર કરતી 40 થી વધુ મહિલાઓ તથા 50 થી વધુ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું સામે આવ્યું છે.
પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે.સમગ્ર મામલે રોકાણકારોની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલા આરોપી વૈભવી શેરે અને અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિતના અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આર્થિક વ્યવહારો, રોકાણ અને ફ્રેન્ચાઈઝી કરારો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
