ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનું માર્ગદર્શન સાંપડ્યું
PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘનું આવેદન
કર્મચારીઓની પડતર અને મુખ્ય માંગણીને લઈ આવેદન
માંગણીનો વહેલીતકે ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત
મોટી સંખ્યામાં મજદૂર સંઘના આગેવાનો-સભ્યોની ઉપસ્થિતિ
ભરૂચમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ દ્વારા કર્મચારીઓની પડતર અને મુખ્ય માંગણીઓને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા મજદૂર સંઘના આગેવાનોએ પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. સંઘ દ્વારા શાળા કક્ષાએ કામગીરી કરતા કેન્દ્ર સંચાલકોની જગ્યાને અપગ્રેડ કરી તેમને શાળા પોષણ સહાયક જાહેર કરવા તથા શ્રમ અને રોજગાર વિભાગના લઘુત્તમ વેતન સહિતના લાભો આપવાની માંગ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને યોજના હેઠળના કર્મચારીઓને માસિક રૂ. 30 હજાર વેતન આપવાની પણ રજૂઆત કરાય હતી. આ સાથે જ મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ પીડિત કર્મચારીના પરિવારને રૂ. 4 લાખની સહાય આપવા માંગ કરવામાં આવી હતી.
આશા બહેનો અને આંગણવાડી બહેનોના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાની માંગ સંઘ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા મજદૂર સંઘે આશરે 96 હજાર કર્મચારીઓ અને પીએમ પોષણ યોજનાનો લાભ લેતા આશરે 40 લાખ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની તમામ પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
