• ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ

  • શિક્ષક દંપત્તીના મળ્યા હતા મૃતદેહ

  • મકાનમાંથી જ મૃતદેહ મળી આવ્યા

  • પોલીસે 3 ટીમ બનાવી તપાસ શરૂ કરી

  • મૃતકના સાળાએ હત્યા અંગેનો ગુનો નોંધાવ્યો

ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પોલીસે ત્રણ ટીમ બનાવી હત્યારાઓનું પગેરું મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીના મકાન નંબર આઠમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલામાં વાલીયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને કંઈક અજુકતું લાગ્યું હતું ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે દરવાજો તોડી અંદર જોતા બન્નેના બેડરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.મૃતકના સાળા ભરતસિંહ ગોહિલે હત્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે
આ તરફ પોલીસે ક્રાઈમ બ્રાન્ચ,સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે શિક્ષક દંપતિ વ્યાજે નાણા આપવાનો વ્યવસાય પણ કરતા હતા ત્યારે આ એંગલ પર પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.આ ઉપરાંત વાલિયા ટાઉનમાં પોલીસે ધામાં નાખી ડબલ મર્ડરની કડી મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.