વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટના કારણે ખેડૂતોને આર્થિક ફટકો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે અનેક ખેતરો સરોવરમાં ફેરવાયા
મનુબર સહિતના ગામના ખેતરોમાં ભરાયા વરસાદી પાણી
વરસાદી પાણીની જમાવટથી ખેતી-પાકને નુકશાનની ભીતિ
પાણીનો કાયમી નિકાલ કરવા સહિતની ખેડૂતોએ માંગ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન, ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ અને એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરીના પગલે મનુબર સહિત આસપાસના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાથી ધરતીપુત્રોને આર્થિક નુકશાનીનો માર પડ્યો છે.
ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ગુડ્સ ટ્રેન રેલ્વે ટ્રેક અને એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરી મનુબર તથા આસપાસના ગામોના ખેડૂતો માટે સમસ્યાનું સર્જનહાર બની છે. તાજેતરમાં જ વરસેલા વરસાદના કારણે મનુબર સહિતના ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જોકે, વિકાસની ગતિએ ભરૂચ જિલ્લો આગળ વધી રહ્યો છે, ત્યારે આ ત્રણેય પ્રોજેક્ટના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરો પાણીમાં ગરકાવ થયા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે.
પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે હજારો વીઘા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જ ત્રણેય પ્રોજેક્ટના કામ દરમ્યાન વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ નુકસાનગ્રસ્ત પાક અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.
