ભરૂચ જિલ્લામાં આ વર્ષે રાખડી બજારને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે આ વર્ષે રાખડીઓ સસ્તી હોવા છતાં કોરોનાના કારણે બહેનો પોતાના વીરા માટે રાખડીની ખરીદી કરવા નીકળતી નહીં હોવાથી જંબુસરના બજારોમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
શ્રાવણી પૂર્ણિમાનો દિવસ એટલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીકનો દિવસ રક્ષાબંધન. તા. 3 ઓગસ્ટ સોમવારના રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે જંબુસર શહેરમાં ઠેર ઠેર રાખડીની દુકાનો અને લારીઓમાં વેચાણ માટે ખુલ્લી મુકવામાં આવી છે. જેમાં રંગબેરંગી આકર્ષક રાખડીઓથી બજારનો માહોલ સજ્જ થઈ ગયો છે, ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે રાખડીની ઘરાકીમાં ફેર ઘણો પડ્યો છે. જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ રક્ષાબંધન પર્વે રાખડીના વેચાણમાં નિરસતા જોવા મળી રહી છે.
જંબુસરના વેપારીઓએ જણાવ્યુ હતું કે, આ વર્ષે રક્ષાબંધન પર્વે રાખડીની ડિઝાઇનમાં વધારો થયો છે. જેમાં ભાઈ-ભાભીની રંગબેરંગી રાખડીની જોડ સહિત રૂપિયા 5થી 100 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે. પરંતુ હાલ કોરોનાના ભયના કારણે હજુ પણ બહેનો પોતાના વીરા માટે રાખડી ખરીદી કરવા નીકળતી નહીં હોવાથી આ વર્ષે રાખડીનો મોટા પ્રમાણમાં સ્ટોક બજારમાં એમ જ જોવા મળી રહ્યો છે. જોકે આ વર્ષે રાખડી સસ્તી હોવા છતાં કોરોનાનું ગ્રહણ હોય તેમ જંબુસરના બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.