• નિવૃત્ત પોલીસકર્મીઓનું સેવાકાર્ય

  • પીવાના પાણીની પરબ શરૂ કરાઇ

  • શ્રમિકો માટે પરબ શરૂ કરાય

  • રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે સેવાકાર્યો

  • ગ્રુપ સાથે 185 નિવૃત્ત પોલીસકર્મીઓ છે જોડાયેલા

ભરૂચ પોલીસની રીટાયર્ડ કર્મચારીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ દ્વારા ઉનાળામાં રાહદારીઓને પીવાના પાણીની સુવિધા મળી રહે એ હેતુથી વિવિધ વિસ્તારોમાં પરબ શરૂ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. “Retired Police Group of Bharuch”ના સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી સતત સેવાભાવથી કાર્ય કરી રહ્યા છે. શ્રમિકો, રાહદારીઓ અને રોજગાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું કપરું બની ગયું છે. અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે. આવી વિકટ પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રૂપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની સુવિધા ઉભી કરી રહ્યા છે. સ્ટેશન પોલીસ ચોકી, સીટી સેન્ટર સામે, પાંચબત્તી અને શક્તિનાથ જેવા વિસ્તારોમાં પાણીના જગ મુકવામાં આવ્યા છે, જ્યાંથી રોજના દસથી પંદર જેટલા જગ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપ મોઘેએ જણાવ્યું હતું કે આ સેવા માત્ર તરસ બુઝાવવા પૂરતી નથી, પરંતુ સમાજને સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે. આ સમગ્ર ખર્ચ પોલીસ ગ્રૂપ દ્વારા જ ઉઠાવવામાં આવે છે.