ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલું પાલિકાનું ઐતિહાસિક અને વ્યસ્ત એવું ‘સરદાર શોપિંગ કોમ્પલેક્ષ’ હાલ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. વારંવાર રજૂઆત છતાં તંત્રની ઊંઘ ન ઊડતા અંતે વેપારીઓએ મોરચો માંડ્યો છે.
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલું પાલિકાનું સરદાર શોપિંગ કોમ્પલેક્ષ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં જ ગણેશ આગમન અને શોભાયાત્રા દરમિયાન હજારો લોકો આ જર્જરિત બિલ્ડિંગની છત પર જીવન જોખમે ચડી ગયા હતા. સદ્નસીબે વિઘ્નહર્તાની કૃપાથી કોઈ દુર્ઘટના ન સર્જાય, પરંતુ સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ‘પાણી પહેલા પાળ’ બાંધવાને બદલે ઘટના બન્યા પછી જ શા માટે સરકારી તંત્ર જાગે છે?
આ કોમ્પ્લેક્સમાં 300થી પણ વધુ નાના-મોટા વેપારીઓ પોતાનો વ્યવસાય કરે છે અને પાલિકાને નિયમિત તમામ ટેક્સ પણ ચૂકવે છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ ઈમારતની મરામત પ્રત્યે ઘોર દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું હતું. આખરે કંટાળેલા વેપારીઓએ પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખને રૂબરૂ મળીને ધારદાર રજૂઆત કરી હતી.
વેપારીઓની લાંબા સમયની માંગણી અને જર્જરિત સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ, પાલિકા અધિકારીઓએ વેપારીઓને સાથ-સહકાર આપવાની હૈયાધરપત આપી છે. તંત્ર દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં સરદાર શોપિંગ કોમ્પલેક્ષના રિપેરિંગની કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. બાંહેધરી મળતા હાલ તો વેપારીઓમાં સંતોષની લાગણી જોવા મળી છે, પરંતુ કામગીરી ક્યારે શરૂ થાય છે તેના પર સૌની નજર છે.
તંત્રની ખાતરી બાદ વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે, પણ હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ મરામતની કામગીરી કાગળ પરથી ઉતારીને ક્યારે પૂરી કરે છે.
