કોરોનાની મહામારી વચ્ચે દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય રહયાં છે ત્યારે કોઇ પણ પ્રકારની ડીગ્રી કે સર્ટિફિકેટ વિના બની બેઠેલા તબીબો સામે પોલીસે તવાઇ બોલાવી છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપે દહેજ, અંકલેશ્વર અને ઝઘડીયામાં તપાસ હાથ ધરી 14 ઝોલાછાપ તબીબોને ઝડપી પાડયાં છે.
ભરૂચ જિલ્લાના પરપ્રાંતિયો અને શ્રમિકોની વસતી વધારે હોય તેવા વિસ્તારોમાં ઝોલાછાપ તબીબો દવાખાનાઓ ખોલી દેતાં હોય છે. દર્દીઓને દવાઓ આપી તેઓ દર્દીઓના સ્વાસ્થય સાથે ખીલવાડ કરતાં હોય છે. ભરૂચ જિલ્લામાંથી આવા 14 ઝોલાછાપ તબીબોને પોલીસે ઝડપી પાડયાં છે. કોરોના મહામારી વચ્ચે લોકોના જીવન સાથે રમત રમતા નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં ૧૪ જેટલા નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા, બાકરોલ, જીતાલી, પાનોલી તેમજ ઝઘડિયાના ઇન્દોરમાં દરોડા પાડી એક મહિલા તબીબ સહિત 14 નકલી તબીબોને ઝડપી લેવાયાં છે. તેમના દવાખાના તેમજ મકાનમાં એલોપેથિક દવા અને ઇન્જેક્શનનો જથ્થો કબજે લેવાયો છે.