ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)ના કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભરૂચ સહિત રાજયના વિવિધ એસટી ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો.
ગુજરાતમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં એસટી નિગમના કર્મચારીઓ પણ સંક્રમિત થયાં છે. અત્યાર સુધીમાં એસટી નિગમના 40 કર્મચારીઓ પૈકી 9 કર્મચારીઓના કોરોનાના કારણે મૃત્યુ થઇ ચુકયાં છે.
કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ગુરૂવારના રોજ એસટી વિભાગના ત્રણેય કર્મચારી યુનિયનના સંયુકત ઉપક્રમે યોજાયો હતો. ભરૂચ સહિત રાજયના તમામ ડેપો ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મૃતક કર્મચારીઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. એસટી કર્મચારી યુનિયનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં એસટી નિગમના કર્મચારીઓએ જીવના જોખમે ફરજ બજાવી મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડયાં છે.
આ દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓ પણ સંક્રમિત થયાં છે. અત્યાર સુધીમાં 9 કર્મચારીઓ જીવ ગુમાવી ચુકયાં છે. ત્યારે એસટી વિભાગના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરી સરકાર આર્થિક મદદ કરે તેવી કર્મચારી યુનિયનોએ માંગણી કરી છે..