ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફ્રૂટ માર્કેટ પાસે કોઈ વ્યવસ્થા વગર લારીઓ ઉભી રહેવાથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતીનું નિર્માણ થાય છે ત્યારે નગર સેવા સદન દ્વારા ફ્રૂટ માર્કેટનું હંગામી ધોરણે સ્થળાંતર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે.
વિકસતા જતાં ભરૂચમાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા ઉદભવી રહી છે. આડેધડ પાર્કિંગ અને મુખી માર્ગ પર કરાતા દબાણના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે આજરોજ ભરૂચ નાગર સેવા સદન દ્વારા દબાણ હટાવવામાં આવ્યા હતા. ભરૂચના સ્ટેશન રોડ પર ઇન્દિરા નગર નજીક ફ્રૂટ માર્કેટ ઊભું કરાયું હતું જેનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ફ્રૂટના વેપારીઓને નજીકમાં આવેલ પાર્કિંગ સ્પેસમાં જગ્યા ફાળવવામાં આવી છે. નવું હોકર્સ ઝોન બનાવના હેતુથી ડેપો પાસે આવેલ ફ્રૂટ માર્કેટને બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં હંગામી રીતે અમુક મહિનાઓ માટે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
લગભગ 80 જેટલી લારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેથી ફ્રૂટ વેચનારને, લેનાર ને અને ત્યાંથી અવરજ્વર કરતા રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાથી હાલાકી ના વેઠવી પડે. આગામી સમયમાં નગર સેવા સદન દ્વારા હોકર્સ ઝોન બનાવવામાં આવશે.