-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજન
-
ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી
-
ભવ્યા પાલખીયાત્રાનું આયોજન
-
મોટી સંખ્યામાં ભુદેવો જોડાયા
ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્ય દેવ અને ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં બ્રહ્મ અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.ઉજવણીના પ્રારંભે સવારે પૌરાણિક ભ્રુગુઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજી તેમજ તેમના માતા-પિતાની પ્રતિમાઓનું કેસર સ્નાન અને વિધિવત પૂજન-અર્ચન શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવેના હસ્તે આચાર્ય હરેશભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે નવાડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિરના પ્રાંગણમાં મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને ભૂદેવોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
આરતી પશ્ચાત ભગવાનની ભવ્ય પાલખીયાત્રા પ્રસ્થાન થઈ હતી. વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રા નવાડેરાથી પ્રારંભ થઈ હાથિખાના બજાર, દાંડિયા બજાર થઈને ભ્રુગુઋષિ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. મંદિર પરિસરમાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત અગ્રણીઓ હેમલ દવે, હરેશભાઇ પુરોહિત, જયેન્દ્રભાઈ ભટ્ટ, અમરીશ દવે અને કમલેશભાઈ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉપસ્થિત રહી જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો.
