ભરૂચના દેણવા-ડોલિયા રોડ પર ઢાઢર નદીના દરિયા સાથેના સંગમના મુખપ્રદેશમાં નિર્માણ પામેલા દેણવા-ડોલિયા મેજર બ્રિજ અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 720 મીટર લંબાઈ અને 11 મીટર પહોળાઈ ધરાવતો આ પુલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું તથા પુલમાં કોઈ સ્ટ્રક્ચરલ ડેમેજ ન હોવાનું વિભાગે જણાવ્યું છે. મીડિયામાં પુલને લગતી વાયરલ તસવીરો અંગે વિભાગે જણાવ્યું હતું કે, ફોટોગ્રાફમાં દર્શાવાયેલી સ્થિતિ AI જનરેટેડ છે, જે પ્રજાજનો અને વાહનચાલકોને ગેરમાર્ગે દોરે તેવી છે. દેણવા તરફના એપ્રોચ રોડમાં ધોવાણને કારણે સર્જાયેલી નાની તિરાડની વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કરાવવામાં આવી હતી.
વિભાગના જણાવ્યા અનુસાર, ઇજારદાર રાધે એસોસિએટ્સને વર્કઓર્ડર આપવામાં આવ્યા બાદ પુલની ભૌતિક કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 23 ઓગસ્ટ, 2026ના રોજ પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.વર્ષ 2018માં ડોલિયા ગામ તરફના કિનારે વહેતો નદીનો પ્રવાહ વર્ષ 2022થી 2026 દરમિયાન ક્રમશઃ દેણવા ગામ તરફ ફંટાયો હતો. પરિણામે દેણવા તરફ નદીના પટની પહોળાઈ 720 મીટરથી વધીને આશરે 750 મીટર થઈ હતી. નદીના પ્રવાહમાં આવેલા ફેરફારને કારણે પુલના એબટમેન્ટ-1 નજીક ધોવાણ થતાં એપ્રોચ રોડના માટીના પાળાને નુકસાન પહોંચ્યું હતું.આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેણવા તરફ પુલને વધુ 30 મીટર લંબાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. વધારાની કામગીરીમાં સમય લાગે તેમ હોવાથી હાલ પૂરતું માટીનું પૂરાણ કરીને નાના વાહનોની અવરજવર ચાલુ રહે તે હેતુથી પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.વિભાગે વધુમાં જણાવ્યું છે કે, પુલની વધારાની 30 મીટર લંબાઈમાં સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ કામગીરી મંજૂર થયા બાદ આશરે ત્રણ મહિનામાં ભારે વાહનો માટે પણ વાહનવ્યવહાર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
