/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/25180520/maxresdefault-317.jpg)
કોરોના વાયરસના કારણે તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ પડી રહયો છે પણ લોકોની આસ્થા અને શ્રધ્ધા બરકરાર રહી છે. બુધવારના રોજ ભરૂચ સહિત સમગ્ર રાજયમાં તુલસી વિવાહના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દેવપોઢી અગિયારસથી ભગવાન નિંદ્રા અવસ્થામાં જતાં રહે છે. નિંદ્રા અવસ્થામાં રહેલાં પ્રભુને દેવઉઠી અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે.
તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે.ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે. ભરૂચ સહિત રાજયમાં વિવિધ સ્થળોએ તુલસી વિવાહની ઉજવણી ભકિતસભર માહોલમાં કરવામાં આવી હતી.