ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા-દુવાઘપુરા ગ્રામ પંચાયત દ્વારા કોરોના જાગૃતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું . ઉમલ્લા નગરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા સ્થાનિક તંત્ર સજ્જ બન્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા કેટલાક નિયમોનું પાલન થાય તે માટે રિક્ષામાં માઇક સિસ્ટમથી એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુવાઘપુરા ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉમલ્લા નગરની હદમાં તમામ લોકોએ સરકારની ગાઈડલાઇનનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. તેમજ બહાર ગામથી આવતા ફેરિયાઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો સાથે જ વેપારીઓએ દુકાનો અઠવાડિયામાં સોમ-મંગળ-બુધ અને ગુરૂવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે જણાવ્યુ છે. તેમજ શુક્ર-શનિ અને રવિવારે દુકાનો, લારી-ગલ્લા સંપૂર્ણપણે બંધ રાખી લોકડાઉનને સમર્થન આપવા અંગે પણ જણાવાયું છે.
ઉમલ્લા દુવાઘપુરા ખાતે લગ્ન-પ્રસંગ, શ્રીમંત સહિત ધાર્મિક પ્રસંગોમાં 50થી વધુ લોકો ભેગા ન થાય તેનું પણ પાલન કરવાનું જણાવાયું છે. તો સાથે જ મરણ પ્રસંગમાં ફક્ત 20 લોકો ભેગા થઇ વિધિ કરવાની રહેશે. જોકે, આ તમામ નિયમનો ભંગ કરનાર પાસેથી 5 હજાર રૂપિયા જેટલી રકમનો દંડ પણ વસુલવામાં આવશે. તો દંડ વસૂલવા સહિત ફોજદારી રાહે ગુનો નોંધી કાર્યવાહી કરવા અંગે પણ ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે.