ભરૂચના પ્રસિદ્ધ પ્રવાસન ધામ કબીરવડ ખાતે ઉનાળાની રજાઓ દરમિયાન સર્જાયેલી કરુણ દુર્ઘટનામાં મામા-ભાણેજના મોતથી પરિવારમાં શોક છવાયો છે. 
ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય અમિત વાઘેલા અને સુરતના કોસાડ ગામે રહેતો તેમનો 7 વર્ષીય ભાણેજ રાજ વાઘેલા નર્મદા નદીમાં ન્હાવા ઉતર્યા હતા. દરમિયાન રાજ ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેને બચાવવા ગયેલા અમિતભાઈ પણ ડૂબી ગયા હતા.ગત સાંજે અમિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો,જ્યારે આજે ભરૂચ પાલિકાના ફાયર વિભાગની ટીમે આશરે 8 કલાકની ભારે જહેમત બાદ નાનકડા રાજનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે ઊંડા ખાડાઓ નદીમાં થઈ ગયા હોવાના  કારણે દુર્ઘટના સર્જાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.