/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/03181122/maxresdefault-42.jpg)
વાગરા તાલુકાના પણિયાદરા ગામ પાસે બનેલી યુપીએલ કંપનીએ પીવાના પાણી માટે પાઇપલાઇન નહિ નાંખી આપતાં પણિયાદરા તથા આસપાસના ગામોમાં રોષ ફેલાયો હતો. ગુરુવારના રોજ ગામલોકોએ કંપનીના ગેટની સામે ધરણા શરૂ કરી દીધાં હતાં. પાણીની માંગ કરી રહેલાં ગામલોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવાની સાથે ટીયરગેસના સેલ છોડયાં હતાં. ગામના સરપંચ સહિત 50થી વધારે લોકોની અટકાયત કરવામાં આવતાં વાતાવરણ તંગ બની ગયું છે.
વાગરા તાલુકાના મોટાભાગના ગામોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. રાજય સરકાર ભલે ટેન્કર રાજ ખતમ થયું હોવાનો દાવો કરતી હોય પણ વાગરા તાલુકાના કોઇને કોઇ ગામમાં તમને ટેન્કરથી પાણી પુરૂ પાડવામાં આવતું જોવા મળી જ જશે. વાગરાના પણિયાદરા ગામમાં પણ રોજ ટેન્કરથી પાણી આપવામાં આવે છે. ટેન્કર આવતાની સાથે મહિલાઓની કતાર લાગી જાય છે અને પાણી માટે મારામારી પણ થતી હોય છે. આવો જ એક વિડીયો પણ વાયરલ થયો છે. અમે તમને બતાવી રહયાં છે વીડીયો.
હજી તો શિયાળાની શરૂઆત છે તેવામાં જ વાગરા તાલુકાના ગામોમાં પાણીની પળોજણ શરૂ થઇ ચુકી છે. પણિયાદરા ગામ નજીક યુપીએલ કંપની આકાર લઇ રહી છે. કંપનીને પણિયાદરા તેમજ આસપાસના ગામોને પીવાનું પાણી મળી રહે તે માટે પાઇપલાઇન નાંખી આપવાની ખાતરી આપી હતી. લાંબો સમય થઇ ગયો હોવા છતાં પાઇપલાઇન નહિ નાંખવામાં આવતાં ગુરૂવારના રોજ ગામલોકોએ યુપીએલ કંપનીના ગેટની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પાણીની માંગણી કરી રહેલાં ગ્રામજનોના આંદોલનમાં અચાનક પોલીસની એનટ્રી થઇ હતી. શાંતિપુર્ણ રીતે વિરોધ કરી રહેલાં લોકો પણ પોલીસે લાઠીઓ વરસાવી હતી અને ટીયર ગેસના સેલ છોડયાં હતાં. પોલીસે બળ પ્રયોગ કરતાં ધરણાં પર બેઠેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે સરપંચ સહિત 50થી વધારે લોકોની અટકાયત કરી લીધી હતી. હાલ પણિયાદરના તેમજ આજુબાજુ આવેલાં ગામોમાં ભારેલાં અગ્નિ જેવો માહોલ જોવા મળી રહયો છે.