ભરૂચના સાયખા કેમિકલ ઝોનમાં આવેલ એક કંપનીની બિલ્ડીંગ પરથી પડી જતા કામદારનું કરૂણ મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે વાગરા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોનમાં અનેક કંપનીઓએ કન્સ્ટ્રક્શનનું કામ હાથ ધર્યું છે.તે પૈકી એકટીમો કંપનીમાં પણ હાલ સિવિલ કામ ચાલી રહ્યુ છે.કંપનીમાં કામ કરતા કામદારો નિત્યક્રમ મુજબ જમવાનું બનાવતા હતા.
એ દરમિયાન અંજય પ્રસાદ દેવનંદન પ્રસાદ ઉ.વ. ૩૮ રહે બકલારી, થાના ગુથણી, જી. શિવાન બિહાર પોતાનો મોબાઈલ ફોન જોતો હતો.એ સમયે એકાએક અંજય પ્રસાદ કંપની બિલ્ડીંગના પહેલા માળ પરથી નીચે ગ્રાઉન્ડ ફ્લોરની સીડી પર પટકાતા ડાબા પગે ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત અંજય પ્રસાદને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
