“રોડ” નહીં, તો “વોટ” નહીં..! : બિસ્માર માર્ગ મુદ્દે ભરૂચ-આમોદ તાલુકાના 5 ગામે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

ખખડધજ માર્ગનું સમારકામ નહીં થતાં આમોદ નાયબ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

“રોડ” નહીં, તો “વોટ” નહીં..! : બિસ્માર માર્ગ મુદ્દે ભરૂચ-આમોદ તાલુકાના 5 ગામે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી
New Update

આમોદ તાલુકાના 5 ગામના લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ

આછોદથી દેણવા સુધી 10 કિમીનો માર્ગ ખૂબ જ બિસ્માર

વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં

5 ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

આમોદ નાયબ મામલતદારને આપવામાં આવ્યું આવેદન

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના 5 ગામના લોકોએ ઉબડ ખાબડ બનેલા ખખડધજ માર્ગનું સમારકામ નહીં થતાં આમોદ નાયબ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર અને હેતમપુર ગામના આગેવાનોએ આમોદ નાયબ મામલતદાર હેતલ ચૌધરીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે, આછોદથી દેણવા સુધી 10 કિલોમીટર સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે.

ઉબડ ખાબડ અને ખખડધજ બનેલા રોડ પરથી વાહનચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. આ 5 ગામના લોકોનો તબીબી ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે પણ આમોદ સાથે દૈનિક વ્યવહાર જોડાયેલો છે. જેથી બિસ્માર બનેલા રોડના કારણે દર્દીઓ, પ્રસૂતા બહેનો, વૃદ્ધોને વાહન મારફતે અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આ મામલે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા 5 ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

#GujaratConnect #Bharuch Samachar #ચૂંટણી બહિષ્કાર #રોડ નહીં તો વોટ #બિસ્માર માર્ગ #election boycott
Here are a few more articles:
Read the Next Article