સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાન અંગેની જાગૃતતા કેળવવામાં આવી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪માં વધુ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી જાગૃતતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ મતદાન જાગૃતિ સાયકલ રેલી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી સવારે 0૬.00 કલાકે આયોજિત થઈ હતી.
ભરૂચ પ્રાંત અધિકારી મનિષા મનાણી, ભરૂચ મામલતદાર માધવીબેન મિસ્રી, સિનિયર કોચ રાજન સિંહ, ડૉ. દીવ્યેશ પરમાર, ભરૂચ શહેર મામલતદાર વગેરેએ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સાઈકલ સવાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ રેલીમાં જોડાયા હતા.આ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ પાંચબત્તી, રેલ્વે સ્ટેશન, કસક સર્કલ, શીતલ સર્કલ, તુલસીધામ સાંઈમંદિર થઈ, એસ.વી.એમ. સ્કૂલ, કોલેજ રોડ, ભોલાવ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ સર્કલ થઈ માતરીયા તળાવ પર પૂર્ણ થઈ હતી. આ રેલીમાં અંદાજિત ૪૦૦થી પણ વધારો લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.