અબ તક “56” : ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ, ખેડૂતોનું તંત્રને 56મું આવેદન...

એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે.

New Update
અબ તક “56” : ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ, ખેડૂતોનું તંત્રને 56મું આવેદન...

ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદન સામે વળતરની માંગ સાથે 3 તાલુકાના ખેડૂતોએ આજરોજ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી 56મું આવેદન પત્ર આપ્યું હતું.

ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે, તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ-વેની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. હાલમાં જ વડોદરા-ભરૂચ વચ્ચેનું એક્સપ્રેસ-વે સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે જિલ્લાના ત્રણેય તાલુકા હાંસોટ, અંકલેશ્વર અને આમોદના ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં ભેગા થઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને 56મું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ સુપ્રત કર્યું હતું.

જોકે, ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, જિલ્લાના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ વળતર બાબતે ખેડૂતોને અત્યાર સુધી માત્ર લોલીપોપ જ આપ્યા છે. જે લઈ ફરી લોકસભા ચૂંટણી ટાણે ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે જિલ્લાના ખેડૂતોનો અવાજ વડાપ્રધાન સુધી પોહચે તે માટે કલેકટર કચેરીના પટાંગણમાં હાંસોટ, આમોદ, અંકલેશ્વર તાલુકાના ખેડૂતો હાજર રહી સુત્રોચાર સાથે ભજન અને રામધૂન બોલાવી કચેરી ગજવી મુકી હતી. ખેડૂતોએ જણાવ્યુ હતું કે, એક્સપ્રેસ-વેમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો જેટલું વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળે તે માટે માંગ કરવામાં આવી છે. આ સાથે જ માંગ પૂરી નહીં થાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂત જગતે ચીમકી ઉચ્ચારી છે.

Latest Stories