Connect Gujarat
ભરૂચ

ભરૂચ-અંકલેશ્વરમાં પૂર બાદ હવે માવઠું બન્યું “આફત”, પાકને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ...!

કમોસમી વરસાદે રવિ પાક ઉપરાંત 96 હજાર હેક્ટરમાં કપાસ અને 72 હજાર હેક્ટરમાં કરાયેલ તુવેરના વાવેતરની ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડાનું જોખમ ઉભું કર્યું

X

ભરૂચ અને અંકલેશ્વરમાં પૂર બાદ હવે આફત બન્યું માવઠું

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાકને નુકશાન

કપાસ અને તુવેરની ગુણવત્તા સહિત ઉત્પાદન પણ ઘટશે

ભરૂચ જિલ્લામાં પૂર બાદ હવે કમોસમી વરસાદે રવિ પાક ઉપરાંત 96 હજાર હેક્ટરમાં કપાસ અને 72 હજાર હેક્ટરમાં કરાયેલ તુવેરના વાવેતરની ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડાનું જોખમ ઉભું કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રવિવારે રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ભરૂચ સહિત 5 તાલુકામાં અડધોથી 2 ઇંચ આકાશી જળ વરસતા ખેતીને ફરી ફટકો પડ્યો છે.

અતિવૃષ્ટિ અને નર્મદા નદીમાં આવેલી રેલથી ભરૂચ જિલ્લામાં ખરીફ પાકમાં તારાજી આવ્યા બાદ હવે માવઠાના કારણે વાવણી કરાયેલ 87 હજાર હેક્ટરમાં રવિ પાક પર જોખમ ઉભું થતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ઘઉં, જુવાર, મગ, શેરડી, ચણા, મઠિયા અને શકભાજીના વાવેતરને માવઠાનો ફટકો પડતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

ભરૂચ જિલ્લામાં રવિવારે સમગ્ર દિવસ દરમિયાન તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદનો કહેર રહ્યો હતો. ઘોરંભાયેલ વાતાવરણ વચ્ચે અંદાજે 10 કિલોમીટની ઝડપે ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે પારો ગગડી 21 ડિગ્રીએ પહોચ્યો હતો. જેના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, ભરૂચ જિલ્લામાં પૂર બાદ હવે કમોસમી વરસાદે રવિ પાક ઉપરાંત કપાસ અને તુવેરના વાવેતરની ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડાનું જોખમ ઉભું કર્યું છે. તો બીજી તરફ, માવઠામાં પાકને થયેલી નુકશાનીનો સર્વે કરી વળતર ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Next Story